સુરતમાં સાંબેલાધાર વરસાદ:ઉધનામાં 8 ઇંચ, વરાછામાં 6 ઇંચ ખાબક્યો, કોઝવે-ખાડીઓ ઓવરફ્લો થવાના આરે, ગરનાળામાં પાણી ભરાયાં

0
સતત બીજા દિવસે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં




સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત્ રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે, જેને પગલે પાલિકાતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

સવારના સમયે ટ્રાફિકનાં દૃશ્યો સર્જાયાં
સુરતમાં સવારના સમયે પણ વરસાદ યથાવત્ રહ્યો હતો. એને કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો, જેને કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં
ભારે વરસાદને કારણે ઉધના ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે બીજી તરફ કાદરશાની નાળ, અમરોલી, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

કોઝવે ભયજનકથી 0.28 મીટર દૂર
કોઝવેની સપાટી 4.45 મીટરથી 5.72 મીટર પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. ભયજનક સપાટી વટાવી ગયા બાદ કોઝવેનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવે છે.

આગામી 5થી 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 જુલાઈ સુધી હ‌ળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 22થી 23 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

5 સ્થળે શોર્ટસર્કિટના બનાવ
શહેરમાં 5 સ્થળે શોર્ટસર્કિટ થયું હતું. ભાગા તળાવ જનતા માર્કેટમાં, બેગમપુરા ખરાડી શેરી, વેડરોડ ધ્રુવતારક સોસાયટી, મોટા વરાછામાં દુર્ઘટના સર્જાઈ હતી. ઉધના તેરાપંથ ભવન ભગવતી સોસાયટીમાં મોટરમાં સામાન્ય આગ લાગી હતી.

પવન સાથે વરસાદ થતાં 20 ઝાડ પડ્યાં
શહેરમાં 20થી વધુ ઝાડ પડવાના કોલ મળતાં ફાયર વિભાગ સતત દોડતો રહ્યો હતો. નાવડી ઓવારો, જમરૂખ ગલી, સગરામપુરા સિમગા સ્કૂલ પાસે, ભટાર કાપડિયા હેલ્થ ક્લ્બ પાસે, પનાસ ગામ વગેરે વિસ્તારોમાં ઝાડ પડ્યાં હતાં.

ગત રોજ સવારે 6થી આજના સવારના 10 સુધીનો વરસાદ

ઝોનવરસાદ(મિમી)
સેન્ટ્રલ95
રાંદેર86
કતારગામ65
વરાછા144
લિંબાયત95
અઠવા98
ઉધના200

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top